ઉમેશ સોલંકી

અટકી પડવું જોઈએ 


અટકી પડવું જોઈએ 

અટકી પડવું જોઈએ 
અસ્તિત્વનો ખ્યાલ આપે
એ રીતે
ક્યાંક કશુંક તો અટકી પડવું જોઈએ
ચાની કીટલી પર 
ચા થીજી જવી જોઈએ
પાનના ગલ્લે  સોપારી 
કપચી થઈ જવી જોઈએ
લારીમાં શાકભાજી પથ્થર થઈ જવી જોઈએ
પકોડી કૂકા બની જવી જોઈએ
પૈસાને સ્પર્શતાં જ
ટેરવાં
મરી ગયેલાં છીપલાં થઈ જવાં જોઈએ
છાપાંના શબ્દો 
માણસને ચોંટી જાય જે રીતે 
એ રીતે
ચાલતાં ચાલતાં માણસ 
જમીન પર ચોંટી જવો જોઈએ
અટકી પડવું જોઈએ
અસ્તિત્વનો ખ્યાલ આપે
એ રીતે
ક્યાંક કશુંક તો અટકી પડવું જોઈએ.

 

 

ઝાડુની સળીઓ

ગાંધી, તારી ટાલ પર મેં દારૂ રેડ્યો
સમજાવી સમજાવી તને થાકી ગયો
કે ખાદીમાં રહીએ તો ફાટી જવાય
ફોટામાં ઠરીએ તો શ્વાસ રૂંધાય
મંદિરમાં વસીએ તો માણસ મટાય
તોય તું મલકાતો જાય!
તો લે,
ગાંધી, તારી ટાલ પર આ દારૂ રેડ્યો

ચાલ તને શહેરની થોડી ગલીઓ બતાવું
ગલીઓમાં ઠેરઠેર
ફરતી, કણસતી, બોલતી, ડોલતી ઝાડૂની સળીઓ બતાવું
જો,
એક સળી ગટર કને બણબણતી જાય
દેરીની ધૂળમાં પેલી આળોટિયા ખાય
ગલીના નાકે એક અમળાતી જાય
દિશા ભૂલીને એક આમતેમ ફંટાય
દિવસે બતાવી, રાતે બતાવી
સળીઓની આખી એક જાત બતાવી
તોય તને કંઈ થતું નથી!
તો લે,
ગાંધી, તારી ટાલ પર આ દારૂ રેડ્યો

ચાલ તને, આજ એક વાત કહું
મહિનાઓ પહેલાંના દિવસ ને રાત કહું ઃ
અંધારી દિશાએથી
માંસ વિનાના બે હાથ આવ્યા
આવીને ખૂંદી વળ્યા એ ગલીઓ ઘણી
ખૂંદીને વીણી લાવ્યા સળીઓ કંઈ સામટી
સળીઓનો મોટોમસ ઢગલો કર્યો
ઢગલાનો ઘડીમાં ભડકો કર્યો
સળીઓ બિચારી શું કરે !?
ચીસો પાડે
સળીઓની ચીસો એવી તીણી ઊઠી
કાન હજાર-લાખ બ્હેર માર્યા
ચાર-પાંચ દિવસ વીત્યા ન વીત્યા
ત્યાં તો
સળીઓ પણ ગઈ
બ્હેરાશ પણ ગઈ
હાથ થયા હવામાં છૂ
છૂમંતર થ્યાં અંધારાં અજવાળાં
આવે ન ક્યાંયથી અક્કલની બૂ
ચાલ હવે,
સળીઓની બીજી એક જાત બતાવું
ઝીણી આંખેથી જોઈ શકે તો
સળીઓના રૂપમાં પેલી રાખ બતાવું
સાડી પહેરીને
કેટલીયે સળીઓ, જો, અહીં વાંકી વળી છે
પંડમાં બૂંદ નહીં, અને પરસેવે પલળી છે!
નાનીસી સળીઓ પેલી, કેવી પ્રાયમસ પર ઊકળે છે!
પડખે તું જો!
ઝીણું તું જો!
કાળીભમ્મ અંધારી આ ખોલીમાં
કૂણીકચ સળી કેવી મસળાતી જાય છે!
બસ..
હવે હું અટકું છું
ભાવમાંથી છટકું છું
ને તારી અંદર કશુંય હજુ હલતું નથી!
તો લે,
ગાંધી તારી ટાલ પર આ દારૂ....
સમજાવી સમજાવી તને થાકી ગયો
કે ખાદીમાં રહીએ તો ફાટી જવાય
ફોટામાં ઠરીએ તો શ્વાસ રૂંધાય
મંદિરમાં વસીએ તો માણસ મટાય
તોય તું મલકાતો જાય!
તો લે,
ગાંધી, તારી ટાલ ....